અંબિકા તાલુકાના લશણપોર ગામે અંધારું થતાં જ લોકોમાં ભારે દહેશતનો માહોલ છવાઈ ગયો છે. સાંજ પડતાં જ રસ્તાઓ અને ખેતરોની આસપાસ ખુલ્લામાં વિચરતો દીપડો નજરે પડતાં જ સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે.
સુરત, અંબિકા:-હાલમાં ડાંગરની કાપણીની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે ખેતરોમાં કામ કરતા ખેડૂતો અને શ્રમિકો માટે આ દીપડો મોટો ખતરો બની રહ્યો છે. અંધારું થતાં જ ખેડૂતો હવે ખેતરે જવાનું ટાળી રહ્યા છે. તાજેતરમાં જ અડીને આવેલા નવસારી જિલ્લાના ભીનાર ગામે દીપડાએ એક માસૂમ બાળકી પર ઘાતકી હુમલો કર્યો હતો.
ભીનારની એ હૃદયદ્રાવક ઘટનાના ડર વચ્ચે લશણપોર ગામેથી પસાર થતાં એક રાહદારીએ પોતાના મોબાઈલ કેમેરામાં દીપડાના ચિલિંગ દ્રશ્યો કેદ કર્યા છે. રસ્તા પર મુક્તપણે ફરતા દીપડાનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે.
આ વાયરલ દ્રશ્યો બાદ સ્થાનિકોની ચિંતા બેવડાઈ છે. લશણપોરના ગ્રામજનો વન વિભાગ પાસે માંગ કરી રહ્યા છે કે કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલાં જ તાત્કાલિક ધોરણે પાંજરું ગોઠવી આ દીપડાને કેદ કરવામાં આવે.



