મહુવા સુગરની ચૂંટણીમાં ‘હિત રક્ષક પેનલ’ની એન્ટ્રી: મેન્ડેટ પ્રથા અને બાયો ગેસ પ્લાન્ટના વિરોધ સાથે ખેડૂતોએ ફૂંક્યો ચૂંટણી શંખનાદ

SHARE:

મહુવા સુગરની ચૂંટણીમાં ‘હિત રક્ષક પેનલ’ની એન્ટ્રી: મેન્ડેટ પ્રથા અને બાયો ગેસ પ્લાન્ટના વિરોધ સાથે ખેડૂતોએ ફૂંક્યો ચૂંટણી શંખનાદ
​સુરત/મહુવા:
​સાયણ સુગર કેમ્પસથી શરૂ થયેલી મેન્ડેટ પ્રથા વિરોધી ચળવળની આગ દક્ષિણ ગુજરાતની અન્ય સહકારી ફેક્ટરીઓ સુધી પહોંચી ગઈ છે. મહુવા સુગર ફેક્ટરીની આગામી ચૂંટણીને લઈને તાલુકાના મિયાપુર ગામે ખેડૂત અને સામાજિક આગેવાનો તેમજ સભાસદોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં ‘મહુવા સુગર બચાવો હિત રક્ષક પેનલ’ને ચૂંટણી મેદાનમાં ઉતારવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ખેડૂત આગેવાનોએ સ્પષ્ટ કર્યું છે કે સહકારી સંસ્થાઓમાં સભાસદોની સ્વતંત્ર ઈચ્છા જ સર્વોપરી હોવી જોઈએ અને મેન્ડેટ પ્રથા સહકારી લોકશાહીના માળખાને નુકસાન પહોંચાડી રહી છે.
​આ ચૂંટણીમાં મુખ્યત્વે બાયો ગેસ પ્લાન્ટનો વિવાદ, વ્યારા સુગરને શેરડી આપવાથી ખેડૂતોને થઈ રહેલું આર્થિક નુકસાન, શેરડીના પોષણક્ષમ ભાવની માંગ અને મેન્ડેટ પ્રથાનો સખત વિરોધ જેવા મુદ્દાઓને કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યા છે. સભાસદો સુધી આ તમામ બાબતો પહોંચાડવા માટે ગામેગામ જાહેરસભાઓ, ખાટલા પરિષદ અને જનસંપર્ક અભિયાન ચલાવી વ્યાપક સમર્થન મેળવવાની રણનીતિ ઘડી કાઢવામાં આવી છે.
​યોજાયેલી આ અગત્યની બેઠકમાં સહકારી અને ખેડૂત આગેવાન દર્શન નાયક ઉપરાંત ‘હિત રક્ષક પેનલ’ના વિપુલભાઈ પટેલ, પરિમલ પટેલ, મિત્તલસિંહ ગરાસિયા, કુંજનભાઈ પટેલ, વિપુલ પટેલ, ગુલશનભાઈ પટેલ, સૂર્યકાંતભાઈ પટેલ, પ્રકાશભાઈ નાયકા, મણીલાલ ચૌધરી, દીપક પટેલ, મોહન રાઠોડ, નિખિલ વ્યાસ, સતીશ પાંડે, રિતેશ પટેલ અને આકાશ પટેલ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતો અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા. આગામી દિવસોમાં મહુવા તાલુકાના તમામ ગામોને આવરી લઈને સંગઠનને વધુ મજબૂત બનાવવાની ચીમકી પણ આ બેઠકમાંથી આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!