કોષ ગામે ભારે વરસાદમાં ઘર ધરાશાયી : સમસ્ત આદિવાસી સમાજે અસરગ્રસ્ત પરિવારને આપી સહાય

SHARE:

કોસ ગામે ભારે વરસાદમાં ઘર ધરાશાયી : સમસ્ત આદિવાસી સમાજે અસરગ્રસ્ત પરિવારને આપી સહાય

કુલીન.પટેલ (અંબિકા):- અંબિકા તાલુકાના કોસ ગામના નવા ફળિયામાં રહેતા રડકાભાઈ ભાણાભાઈનું કાચું રહેણાંક મકાન ભારે વરસાદના કારણે ધરાશાયી થતાં તેમના પરિવાર પર મુશ્કેલીનો પહાડ તૂટી પડ્યો હતો. ઘર તૂટી જતાં પરિવાર ઘરવિહોણો બન્યો હતો અને ઘરવખરીને પણ નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજ્યના પ્રમુખ ડૉ. પ્રદીપભાઈ ગરાસિયાના માર્ગદર્શન હેઠળ સમાજના આગેવાનો અને સેવાભાવી દાતાશ્રીઓ અસરગ્રસ્ત પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા. આ પ્રસંગે ડૉ. પ્રદીપભાઈ ગરાસિયાએ જણાવ્યું હતું કે, સમાજના કોઈપણ પરિવાર પર સંકટની ઘડી આવે ત્યારે સમગ્ર સમાજે એકજૂટ બની તેની પડખે ઊભા રહેવું એ આપણી સામાજિક જવાબદારી છે. જરૂરિયાતમંદ પરિવારોને સમયસર સહાય પહોંચાડવા માટે સમસ્ત આદિવાસી સમાજ સતત પ્રયત્નશીલ રહેશે. ત્યારબાદ સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજ્યના યુવા કાર્યકર્તાઓ ભાવિક પટેલ તથા ભાર્ગવ પટેલ દ્વારા પરિવારને તાત્કાલિક રાહતરૂપે વાસણ, ધાબળા અને તાડપત્રી સહિત જીવનજરૂરિયાતની અન્ય આવશ્યક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. અસરગ્રસ્ત પરિવારજનોએ મુશ્કેલીના સમયમાં મદદનો હાથ લંબાવનાર સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજ્ય, ડૉ. પ્રદીપભાઈ ગરાસિયા તથા સહયોગી દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. સમાજ દ્વારા કરવામાં આવેલી આ સેવા માનવતા અને સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!