અંબિકા તાલુકાના વહેવલ ગામની સીમમાં સદાફલ આશ્રમ પાસે કાર ચાલકે રોંગ સાઇડે આવી એક્ટિવા ચાલકને અડફેટે લઈ ગંભીર અકસ્માત સર્જ્યો હતો.આ અકસ્માતમાં ગંભીર ઘવાયેલ મોપેડ સવાર મહિલાનું સારવાર દરમિયાન કમકમાટી ભર્યું મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી.મૃતક મહિલાના પતિની ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, એક અજાણ્યા કાર ( GJ-05-CE-3020) ના ચાલકે પોતાની કાર સિણધઇ ગામ તરફથી પૂરઝડપે અને ગફલતભરી રીતે રોંગ સાઇડમાં હંકારી લાવી સામેથી આવી રહેલી હોન્ડા એક્ટિવા ( GJ-21-DG-4532) ને વહેવલ ગામની સીમમાં જોરદાર ટક્કર મારી હતી.આ અકસ્માતમાં એક્ટિવા ચલાવી રહેલા સુમનભાઈ મગનભાઈ પટેલ (ઉં.વ.56, રહે. સિણધઇ ગામ, વાંસદા) ને હાથ-પગમાં ઇજાઓ પહોંચી હતી. જ્યારે તેમની પાછળ બેસેલા તેમના પત્ની પન્નાબેનને શરીરે ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન પન્નાબેન પટેલનું કરુણ મોત નીપજ્યું હતું.
અકસ્માત સર્જી કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે મૃતક મહિલાના પતિની ફરિયાદ આધારે અનાવલ પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



