પુના શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ-2026 યોજાયો.
સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક વિદ્યામંદિર પુના તા અંબિકા જિ સુરત માં તા.25/06/2026 ના રોજ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી થઇ હતી.શાળાના આચાર્યશ્રી શાંતિલાલ ચૌધરીએ ઉપસ્થિત મહેમાનોને આવકારી સરકારી યોજનાની માહિતી આપી હતી.મહેમાનોને પુસ્તક આપી બાળકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.ત્યારબાદ આંગણવાડીના બાળકોને તેમજ બાલવાટિકાના 9 બાળકોને શૈક્ષણિક કીટ અને સ્કૂલ બેગ આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો.આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સભ્ય શ્રી હર્ષદભાઈ પટેલ,કારોબારી અધ્યક્ષ રેખાબેન પટેલ,તા.પં.સભ્ય શ્રી શોભનાબેન પટેલ,સરપંચશ્રી ભાવેશકુમાર પટેલ ,દૂધ મંડળીના મંત્રીશ્રી ઠાકોરભાઈ ,ગામના અગ્રણી સુરેશભાઈ વૈદ્ય ,ગામના આગેવાનો,SMC સભ્યશ્રીઓ,વાલીઓ , કર્મચારીઓ ,શાળાના બાળકો વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનોએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
આ કાર્યક્રમમાં CET રાજ્ય મેરિટમાં આવેલ 4 બાળકો ,મુખ્યમંત્રી મેરિટ સ્કોલરશીપ પરીક્ષામાં રાજ્ય મેરિટમાં આવેલ 8બાળકો ,NMMS પાસ 8 બાળકો,ખેલમહાકુંભમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ 7 બાળકોને પ્રમાણપત્ર અને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.ત્યારબાદ પ્રત્યેક ધોરણમાં 1 થી 3 નંબરે પાસ તેમજ સૌથી વધુ હાજરી ધરાવતા બાળકોને પ્રમાણ પત્ર તેમજ વસ્તુના સ્વરૂપે ભેટ આપી બાળકોનું સન્માન કરવામાં આવ્યું.આ તબક્કે નવા પ્રવેશ મેળવનાર બાલવાટિકાના બાળકોને દૂધ મંડળી તરફથી દફતર અને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી.દાતાઓનું પણ સન્માન આપવામાં આવ્યું.ધોરણ 8 ની પૂર્વ વિદ્યાર્થી અને જિલ્લા પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકે બિરૂદ મેળવનાર રીતીકાકુમારી પટેલ તેમજ ખુશી પટેલ ,શ્રુતિ પટેલ અને રિદ્ધિ કુમારી પટેલનું પણ વિશેષ મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું. પ્રિયલ પટેલે સ્વાસ્થ્ય પર્યાવરણ અને રિધ્ધિકુમારી ચૌધરીએ સામાજીક ઉત્થાન વિષય ઉપર સુંદર વક્તવ્ય રજૂ કર્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન રિધ્ધિકુમારી ચૌધરી અને પ્રિયલકુમારી પટેલે કર્યું હતું.સલામતી સંકલ્પ પત્રનું વાંચન કરી પ્રતિજ્ઞા લીધી.ત્યાર બાદ સર્વે મહેમાનોનો આભાર બાદ વૃક્ષારોપણ કરી કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો.




