સરકારની RBSK યોજના હેઠળ વલસાડના ૩ વર્ષના માસૂમને મળી ‘વાણી અને શ્રવણ’ની નવી જીંદગી
નવી સિવિલ હોસ્પિટલમાં વર્ષની ત્રીજી અને અત્યાર સુધીની ૨૪મી સફળ જટિલ કોક્લિયર ઈમ્પ્લાન્ટ સર્જરી:
બાળકનું પ્રથમ સ્મિત અને તેનો કલરવ એ કોઈપણ પરિવાર માટે સૌથી મોટી ખુશી હોય છે. પરંતુ જ્યારે કોઈ બાળક જન્મથી સાંભળી કે બોલી શકતું નથી, ત્યારે તે આખો પરિવાર એક શાંત અને અજાણ્યા ભયના ઓથાર નીચે જીવવા મજબૂર બને છે. ત્યારે આવા જ એક વલસાડના બિસવાસ પરિવારના જીવનમાં આશાનું નવું કિરણ બની છે ‘રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ’ (RBSK) યોજના.
સરકારની ‘રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ’ (RBSK) યોજના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના બાળકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. વલસાડ જિલ્લાના એક શ્રવણમંદ ખામી ધરાવતા ૩ વર્ષિય બાળક ‘અદ્રિત’ને આ યોજના હેઠળ નવું જીવન મળ્યું છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલના ઈ.એન.ટી. (ENT) વિભાગના કુશળ તબીબોએ અદ્રિત પર અત્યંત જટિલ ગણાતી ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ સર્જરી’ સફળતાપૂર્વક પાર પાડીને તેના જીવનમાં ‘વાણી અને શ્રવણ’નું અમૂલ્ય વરદાન આપ્યું છે.
વલસાડ જિલ્લાના પારડી ખાતે રહેતા અનનતા બિસવાસ પરિવારનો ત્રણ વર્ષિય દીકરો અદ્રિત બિસવાસ જન્મથી જ મૂકબધિર (બોલી અને સાંભળી ન શકતા) હતો. ‘રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ’ હેઠળ ‘કોકિલયર ઈમ્પ્લાન્ટ’ થકી ‘વાણી-શ્રવણ’નું સુખ મળ્યું છે. ભૂતપૂર્વ તબીબી અધિક્ષકના કરારના આધારે પ્રિ ઓપરેટિવ સ્ક્રિનિંગ, ઈન્વેસ્ટિગેશન, સ્વીચ ઓન અને મેપિંગ વિના મૂલ્યે કરવામાં આવે છે. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આ વર્ષની ૩જી અને અત્યાર સુધીનું ૨૪મી સફળ ‘કોકિલયર ઈમ્પ્લાન્ટ’ની વિનામૂલ્યે સફળ સર્જરી કરી છે.
આ જટિલ સર્જરી ઈ. તબીબી અધિક્ષક ડો.પારૂલ વડગામા અને ઈ.એન.ટી. (ENT) વિભાગના પ્રાધ્યાપક અને વડા ડૉ.જયમીન કોન્ટ્રાક્ટરના માર્ગદર્શન હેઠળ મદદનીશ પ્રાધ્યાપક ડૉ.નવનીત, સિનિયર રેસિડેન્ટ ડૉ.મૃત્યુંજય, સિનિયર રેસિડેન્ટ ડૉ. વિમ્મી, ડૉ.સોરઠીયા શિવાની, ડૉ. વિશાલ મોદી અને ડૉ. હર્ષ મકવાણા સહિત તબીબો અને નર્સિંગ સ્ટાફના પ્રયત્નોથી ત્રણ વર્ષિય અદ્રિત બિસવાસને નવજીવન મળ્યું છે.
નોંધનીંય છે કે, ૬ વર્ષ કે તેનાથી નાના, જન્મથી મૂકબધિર બાળકોને કોક્લિયર ઈમ્પાલન્ટ અને ત્યાર બાદના રિહેબિલીટેશન (પુનર્વસન)ની સંપૂર્ણ સારવાર માટે રૂ. ૮ લાખથી વધુનો ખર્ચ થાય છે. તેમાં ઓપરેશન પહેલા કે દરમિયાનની સ્ક્રિનિંગ, ટેસ્ટ, ઓપરેશન, વેક્સિનેશન તેમજ રિહેબિલીટેશનનો તમામ ખર્ચ સંપૂર્ણપણે સરકારની RBSK યોજના અંતર્ગત નિ:શુલ્ક આપવામાં આવે છે. આપરેશન પછી પરિવારની વધુ જવાબદારી રહે છે અને ઓપરેશન પછી બાળકને ૬૦થી ૭૦ વખત સ્પીચ થેરાપી માટે લઈ જવાનું હોય છે.
સર્જરી દરમિયાન દર્દીના કાનમાં ઇલેક્ટ્રોડ્સની નવી શ્રેણી બિલકુલ યોગ્ય જગ્યાએ ગોઠવવામાં આવી છે કે નહીં, તેની તુરંત અને સચોટ ખાતરી કરવા માટે ઓપરેશન થિયેટરમાં જ લાઈવ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ માટે કિરણ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલના નિષ્ણાંત MASLP શ્રીવિદ્યા દ્વારા સર્જરી દરમિયાન જ NRT (Neural Response Telemetry) નો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ ટેસ્ટના હકારાત્મક પરિણામો સાથે ઇલેક્ટ્રોડ્સનું સચોટ પ્લેસમેન્ટ સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર સર્જરી સંપૂર્ણપણે સફળ રહી છે.




