‘વિશ્વ પર્યાવરણ દિને’ વડાપ્રધાનશ્રીના સુરત આગમન પ્રસંગે ‘પર્યાવરણ જતન’ના શપથ સાથે ભવ્ય સાયકલ રેલીની આગેવાની કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમથી શરુ થયેલી સાયકલ રેલીમાં ધારાસભ્ય સંદીપ દેસાઈ સહિત ઉદ્યોગ અગ્રણીઓ અને ૧ હજારથી વધુ નાગરિકો સહભાગી બન્યા

મધ્ય-પૂર્વના યુદ્ધને પગલે સર્જાયેલી ક્રૂડ કટોકટી સામે જનજાગૃતિ: ઇંધણ બચતના વડાપ્રધાનના આહવાનને ઝીલી લેતા સુરતીઓ
‘વિશ્વ પર્યાવરણ દિને’ સુરતનાં આંગણે મહેમાન બનેલા યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીને આવકારવા અનોખી પહેલ કરવામાં આવી હતી. આ બેવડા અવસરને યાદગાર બનાવવા તેમજ મધ્ય-પૂર્વના યુદ્ધને પગલે સર્જાયેલી ક્રૂડ કટોકટી સામે જનજાગૃતિ લાવવા વડાપ્રધાનશ્રી દ્વારા કરાયેલા ઇંધણ બચતના આહ્વાનને ઝીલી લેતાં શહેરમાં ભવ્ય સાયકલ રેલી યોજાઈ હતી.
નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી, ધારાસભ્યશ્રી સંદીપ દેસાઈ સહિત જનપ્રતિનિધિઓ અને અંદાજિત ૧ હજારથી વધુ લોકો પીપલોદના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમથી અઠવાલાઇન્સ સ્થિત ઈન્ડોર સ્ટેડિયમ સુધી સાયકલરેલીમાં જોડાયા હતા. વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગરૂપે પર્યાવરણ સંરક્ષણના હેતુથી યોજાયેલી આ સાયકલ રેલીમાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લઈ ઉર્જા અને ઇંધણ બચતની સાથે સ્વાસ્થ્યનો સંદેશ પણ આપ્યો હતો.




