જન્મદિવસની ખુશી માતમમાં ફેરવાઈ: વલવાડાના યુવકનો મિત્રો સાથે ગંભીર અકસ્માત
કેક કાપ્યા બાદ કાળ ભેટી ગયો: રોડ પર ઉભેલી ટ્રક પાછળ બાઈક ઘૂસી જતાં ત્રણ મિત્રો લોહીલુહાણ

વલવાડા ગામે નવા ફળીયા ખાતે રહેતો નીરવ મહેશ પટેલ નામના યુવક ની તા.૧૭ મીએ વર્ષગાંઠ હોઈ રાતના સમયે તેને પોતાના અન્ય બે મિત્રો હિરેન તથા મિત સાથે કેક કાપી ત્રણે મોડે સુધી ફળિયામાં બાકડા ઉપર બેઠા હતા.રાત્રે તેઓ ત્રણે તેઓના કબજાની મોટરસાયકલ નં.જીજે૧૯ એએસ ૬૪૯૨ ઉપર બહાર જવા નીકળ્યા હતા. રાતના સમયે તેઓ મહુવરીયા થી સગરામપુરા ગામ તરફ ના રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા તેવા સમયે તેઓના માર્ગ માં આગળ કોઈ પણ ઇન્ડિકેટર કે આડાશ મૂક્યા વગર ઊભેલી એક ટ્રક નં.યુપી ૭૦ એમટી ૮૬૧૪ ના પાછળ ના ભાગે અથડાયા હતા. સર્જાયેલા ગંભીર અકસ્માત માં બાઇક ચાલક નીરવ ને માથામાં તથા તેના મિત્ર હિરેન ને મોઢા ના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે એની મિત્ર મિત ને શરીરે મુઢ માર વાગ્યો હતો.
ઇજાગ્રસ્તો ને ડોલવણ, વ્યારા, બારડોલી વગેરે હોસ્પિટલો માં લઈ જવાયા હતા. છેલ્લે નીરવ ને સુરત ની ખાનગી હોસ્પિટલ તથા હિરેન ને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ દાખલ કરાયા હતા. ઘટના ની જાણ સાથે હોસ્પિટલ પહોંચેલી નીરવ ની માતાએ અકસ્માત સંદર્ભે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ આપતા અનાવલ પોલીસે વધુ કાર્યવાહી શરૂ કરી હતી.


