ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના વરદ હસ્તે મહુવા અંબિકા તાલુકાના 8 ગામોને ઈ-રિક્ષા વિતરણ.
સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) હેઠળ મહુવા તાલુકામાં ૮ ગ્રામ પંચાયતોને ઈ-રિક્ષા વિતરણ

સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા દિશામાં મહત્વપૂર્ણ પગલું રૂપે આજરોજ તાલુકા પંચાયત કચેરી મહુવા ખાતે ઈ-રિક્ષા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, સુરત દ્વારા મહુવા અને અંબિકા તાલુકાની કુલ ૮ ગ્રામ પંચાયતોને ઈ-રિક્ષા ફાળવવામાં આવી હતી. મહુવા 170 વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના વરદ હસ્તે ગ્રામ પંચાયત કાછલ, બારતાડ, કઢૈયા, રાણત, બામણીયા, અલગટ, તરકાણી અને માછીસાદડા ગામોને ઈ-રિક્ષા વિતરણ કરવામાં આવી.
આ ઈ-રિક્ષાનો ઉપયોગ ડોર ટુ ડોર ઘન કચરા સંગ્રહ અને સ્વચ્છતા કામગીરી માટે કરવામાં આવશે, જેના પરિણામે ગામોમાં સ્વચ્છતા અભિયાનને ગતિ મળશે તેમજ આરોગ્યપ્રદ પરિસ્થિતિ સર્જાશે.
કાર્યક્રમ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારીશ્રી મિલન પાવરા, સંબંધિત ગ્રામ પંચાયતોના સરપંચશ્રીઓ, તાલુકા પંચાયત સભ્યશ્રીઓ તેમજ તાલુકા પંચાયત મહુવાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સ્વચ્છ ગામ – સ્વસ્થ ગામના સંકલ્પને સાકાર કરવા માટે આ પહેલ મહત્વપૂર્ણ સાબિત થશે.




