મહુવા તાલુકામાં જુગારનો કાળો કારોબાર બેફામ, જુગારધામોનો નંગો નાચ — પોલીસની આંખે પટ્ટી કે મૌન મંજૂરી?
મહુવા તાલુકામાં શિયાળાની શરૂઆત સાથે જ જુગારધામોની મોસમ પૂરજોશમાં ખીલી ઉઠી છે. તાલુકાના કેન્દ્ર સહિત અનેક ગામોમાં ખુલ્લેઆમ વરલી–મટકાનો જુગાર રમાડવામાં આવી રહ્યો છે. જુગારધામોના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હોવા છતાં મહુવા પોલીસ મથકે બેઠી બેઠી ‘સબ સલામત’ની બાંગ પોકારી રહી હોવાની ચર્ચા જાગૃત જનતા વચ્ચે ઉઠી છે. પરિણામે તાલુકાનું યુવાધન જુગારની લતમાં હોમાતું જઈ રહ્યું છે અને અનેક પરિવારો દેવામાં ડૂબી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, છેલ્લા ઘણા મહિનાઓથી મહુવા તાલુકામાં વરલી–મટકાના જુગારધામો બેફામ ધમધમી રહ્યા છે. જાણે ગેરકાયદે ધંધાને કોઈનો ડર જ ન હોય એવો માહોલ સર્જાયો છે. જુગારધામો સામે પોલીસ કાર્યવાહી ન થવાથી સવાલ ઊભો થઈ રહ્યો છે કે શું પોલીસની આંખોમાં ધૂળ નાખી આ ધંધો ચાલી રહ્યો છે કે પછી જાણીને આંખ મીંચી લેવામાં આવી રહી છે?
સ્થાનિક પોલીસ કે જિલ્લા એલસીબીની ટીમ આ જુગારધામોથી અજાણ છે એવી વાત તાલુકાની જાગૃત જનતાને ગળે ઉતરતી નથી. જુગારની લતમાં ફસાયેલા યુવાનો દેવાદાર બની રહ્યા છે અને સામાજિક જીવન પર તેની ગંભીર અસર પડી રહી છે. અનાવલ, વેલણપુર, કરચેલિયા, મહુવા અને વલવાડા જેવા ગામોમાં જુગારધામો ખુલ્લેઆમ ચાલતા હોવાની ચર્ચા છે. અહીં સુધી કે જુગારધામમાં “બેસવા” માટે ટેન્ડર ભરવાની પડાપડી થતી હોવાની વાતો પણ લોકમુખે સંભળાઈ રહી છે.
આ પરિસ્થિતિમાં લોકરક્ષક તરીકેની ફરજ નિભાવવાની જવાબદારી મહુવા પોલીસ પર આવે છે, પરંતુ સ્થાનિક પોલીસ કયા કારણસર ખુલ્લેઆમ જુગાર ચલાવનારા સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં ખચકાટ અનુભવે છે તે પ્રશ્ન આજે પણ અનઉકેલ છે. સામાન્ય જનતા જુગારના રવાડે પાયમાલ થઈ રહી છે ત્યારે પોલીસની નિષ્ક્રિયતા ગંભીર ચિંતા જગાવી રહી છે.
જાગૃત નાગરિકોની માંગ છે કે જિલ્લા પોલીસ વડા આ ગંભીર મુદ્દાને ગંભીરતાથી લઈ તાત્કાલિક હસ્તક્ષેપ કરે અને મહુવા તાલુકામાં ચાલતા જુગારધામોને કાયમી ધોરણે બંધ કરાવે, જેથી યુવાધન અને સમાજને વધુ વિનાશથી બચાવી શકાય.
મહુવા તાલુકામાં હાલ ચાલતા જુગારધામોના સ્થળો.
મહુવા ગામ – ભૂતાળ ફળિયામાં
કરચેલિયા – કોળીવાડ ફળિયામાં
વલવાડા – નાની નહેર પાસે
અનાવલ – તરકાણી ખાખરી ફળિયાથી આગળ જંગલ વિસ્તારમાં
વેલણપુર – પુલની નીચે
પહેરા વ્યવસ્થા : પોલીસને ચકમો
જુગારધામ ચલાવનારા આખો દિવસ બહાર પહેરો ભરતા નજરે પડે છે. તમામ માર્ગો પર ફિક્સ પગાર પર માણસો બેસાડવામાં આવ્યા છે. પોલીસ કે અજાણ્યા વાહનો દેખાતાની સાથે જ જુગારધામ સુધી સંદેશ પહોંચે છે અને ગણતરીની મિનિટોમાં બધું સગેવગે કરી દેવામાં આવે છે.
આવી ગોઠવણ છતાં જો કાર્યવાહી ન થાય, તો પોલીસની ભૂમિકા પર સવાલ ઊભા થવા સ્વાભાવિક છે.




