વનિતા વિશ્રામ કેમ્પસની વી.ડી.ટી. ગર્લ્સ હાઇસ્કુલમાં કેન્દ્ર સરકારની “પરવાહ કરેંગે, સુરક્ષિત રહેગે” જાગૃત્તિ સંદેશ સાથે ૬૫૦ દીકરીઓને નવરાત્રિ પર્વ નિમિતે રોડ સેફ્ટી અંગે સમજ અપાઈ
ડિસ્ટ્રિક્ટ ટ્રાફીક એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી દ્વારા અઠવાગેટ સ્થિત વનિતા વિશ્રામ કેમ્પસની વી.ડી.ટી. ગર્લ્સ હાઇસ્કુલમાં કેન્દ્ર સરકારની “પરવાહ કરેંગે, સુરક્ષિત રહેગે” જાગૃત્તિ સંદેશ સાથે ૬૫૦ દીકરીઓને નવરાત્રિ પર્વ નિમિતે રોડ સેફ્ટી અંગે સમજ અપાઈ હતી.
સંસ્થાના પ્રેસિડેન્ટ અને રોડ સેફ્ટી ટ્રેનર બ્રિજેશ વર્માએ રોડ અકસ્માતોની સંખ્યા ઘટે અને મહામૂલું જીવન બચે એવા શુભાશય સાથે દિકરીઓને નવરાત્રિ પર્વમાં માર્ગસલામતી અંગે કાળજી લેવા માટે પ્રેરણા આપી હતી. રોડ સેફટીના ગરબા સાથે જ્ઞાન અને ઓડિયો-વિઝ્યુઅલ પદ્ધતિથી તકેદારી અને સાવધાની અંગે માહિતગાર કર્યા હતા. પગપાળા ચાલવાની સાચી રીત, હેલ્મેટ અને સીટબેલ્ટના મહત્વ, ચાલુ વાહને મોબાઇલ ફોનના ઉપયોગ અને રોંગ સાઇડ વાહન ચલાવવાથી થતા અકસ્માતો વિષે જણાવ્યું હતું. રોડ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિના ફોટા કે વિડિયો લેવાના બદલે જવાબદાર અને જાગૃત્ત નાગરિક તરીકે અકસ્માતમા ઘાયલને વહેલી સારવાર મળે એ માટેની સરકારની રાહવીર યોજના અને ઘાયલને મદદ કરનારને પુરસ્કાર વિષે તલસ્પર્શી માહિતી આપી હતી.
આ વેળાએ ઉપસ્થિત સૌએ માર્ગ સલામતીની પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રસંગે સ્થાનિક ટ્રાફિક શાખાના રીજિયન-૩ના પીએસાઇ, એસઆઇ, તથા હેડ કોંટેસ્બલ, આચાર્ય ડૉ. જિગીશા પારેખ ટીચિંગ સ્ટાફ, મુખ્ય શિક્ષક કૃપેશભાઇ અને વિદ્યાર્થિનીઓ હાજર રહ્યા હતા.





